રા’ ગંગાજળીઓ-ઝવેરચંદ મેઘાણી-ભાગ-૧૭

Ra’ Gangajaliyo – Javerchand Meghani – Bhag-17

નાગાજણ ગઢવી – Nagajan gadhavi

‘નાગાજણ! ભલે નાગાજણ!’ એવી વાહ વાહ આખી નવસોરઠમાં બોલતી હતી. મેણીઆ ગામના પાંચસો ચારણોમાંથી નસીબનો બળીઓ એક નાગાજણ નીકળી પડ્યો હતો. નાગાજણનાં તકદીરની ડગળી ફાટી પડી હતી. ઓહોહો! નાગાજણના હાથનો કસૂંબો રા’ પીવે, ત્યારે રા’નું સાચું સવાર પડે. રોજ પ્રભાતે ઉઠીને હંસલા ઘોડા પર ચડી નાગાજણ જૂનાગઢ જાય તે છેક રાતે પાછો વળે છે.
સૌને ગમતી એ વાત એક જણને અણગમતી થઈ હતી. સૌના મોંમાં વાહ વાહ, ત્યારે એક જ માનવીના મોંમાં નિ:સાસો. સૌ નાગાજણને ખમા ખમા કરે ત્યારે એક જ જીવને ખોળીએ નાગાજણ જૂનાગઢ ગયે શ્વાસ ન રહે. એ માનવી પણ પાછું કોઈ ત્રાહિત, ઈર્ષાળુ હરીફ નહિ, નાગાજણની જ ઉછેરણહાર ને પાલનહાર, નાગાજણનાં બાળોતીઆંથી જેણે હાથ બગાડેલ ને નાગાજણનાં જેણે ગુ – મૂતર ઉપાડેલાં તે દાદીમા નાગબાઈ પોતે જ.
પહેલી જ વાર જ્યારે નાગાજણે વધાઈ ખાધેલી કે ‘આઈ, સોરઠનો રા’ મારા પર સ્નેહ દાખવે છે.’ ત્યારે જ આઈ નાગબાઈનું મોં પડી ગયું હતું. એક અમંગળ વેણ એના હોઠને ફફડાવીને હૈયામાં પાછું વળી ગએલું. ને એ ખૂબ મૂસીબતે એટલું જ બોલ્યાં હતાં. ‘હોય ભા! રાજા છે ને! ત્રુઠે ને રૂઠે!’
તે પછી ચાર છ મહિને રા’નું તેડું આવેલ, ત્યારે પણ આઈ નાગબાઈની જમણી આંખ ફરકી હતી. નાગબાઈના જમણા અંગે ધ્રુજારી મારી હતી. ને નાગાજણ ઘોડો સાબદો કરી: ‘આઈ, આશિષ દ્યો’ એમ કહેતો ઊભો રહેલો.
ત્યારે દાદીમાએ સામું જોઈને ફક્ત એટલું જ કહેલું : ‘હા બાપ! જોગમાયા તમને હીમખીમ પાછા પોગાડે.’ એથી વધુ કશું જ નહિ. સિંદૂરનો એક ચાંદલો પણ આઈએ બેટાને કપાળે ચોડયો નહોતો.
ત્યાર પછી તો નાગાજણે આવી આવીને રા’નાં જ્ઞાનની, ડહાપણની, વિદ્યાની, સન્મતિની કૈં કૈં વાતો કરી. આઈ ફક્ત મૂંગે મોંયે એ વાતો સાંભળી જ રહ્યાં હતાં. ને એટલું જ કહી લેતાં કે ‘સારું બાપ! જોગમાયા સૌની સન્મતિ સાબૂત રાખે. એની સન્મતિનો દીવો બળતો જ રહે એવી શીખસલાહનું દીવેલ રા’ના અંતરમાં પૂર્યા કરવા ચારણનો ધર્મ છે.’
‘આપણે તો આઈ! સ્વારથ થોડો છે? આપણે કાંઈ એના શીખ સરપાવ જોતા નથી. આપણું તો અજાચી વ્રત છે.’
‘સાચું બાપ!’ નાગબાઈ ધરતી ઢાળું જોઈને જવાબ દેતાં ‘બાપ ફક્ત નાણાં ને સોનાંરૂપાનું અજાચીપણું જ બસ નથી. રાજવાળાંમાં આપણી બેઠ ઊઠ પણ આપણને બગાડનારી બને છે. રાજાનો પ્રેમ છે એપણ એક જાતનું સોનું જ છે. ને એ સોનું સાચા સોના કરતાં વધુ ચળાવે છે. એ પ્રેમ જ સાચી વાત કહેવાની વેળાએ આપણાં હૈયાં ઊપર ચડી બેસી આપણને શરમમાં નાખે છે માટે બાપ! સાચવીને ચાલવું. વાલાં વચ્ચે જ્યારે વેર થાય છે ત્યારે એ વેર તો દુશ્મનો વચ્ચેનાં વેરનેય ટપી જાય તેવું બને છે.
નાગાજણને નવાઈ થતી હતી. દુઃખ પણ ઘણું લાગતું હતું. આવા દેવરાજાની મોહબ્બત પણ મા કેમ સહી નથી શકતાં?
એમ કરતે કરતે તો નાગાજણને જૂનાગઢના તેડાં મહિને મહિને, પંદર પંદર દિવસે, અઠવાડિયે અઠવાડિયે ને પછી એકાંતરે આવતાં થયાં. પછી તો આઈ પાસે જઈને વાતો કરવાનું નાગાજણે બંધ દીધું. આઈને ફક્ત ‘જાઉં છું’ એટલું કહીને પોતે ઘોડો પલાણતો થયો. ને આઈ નાગબાઈ, પોતાનાથી કદાચ કાંઈક હીણું વેણ બોલી જવાય તે બીકે નાગાજણભાની જવા વેળાએ એવાં કામે નીકળી જતાં કે મળવું જ ન પડે. બને ત્યાં સુધી નહાવા જ બેસી જતાં.
ઢોર ઢાંખરની સંભાળ નાગાજણના હાથમાંથી છુટી ગઈ, ખેતરડાં પાદરડાં પણ નાગાજણના હાથની વ્યવસ્થામાંથી નીકળી ગયાં. આઈ નાગબાઈએ નાગાજણભાને કાંઈ કહેવું કરાવવું જ બંધ કરી દીધું. એક પોતે હતી, બીજી નાગાજણની વહુ હતી. બેય જણાં વહેવાર સંભાળવા લાગ્યાં.
નાગાજણ ઘેર પાછો આવે ત્યારે ઘરનાં ઢોરને ધણીની ગંધ આવતી. અગાઉ તો નાગાજણ એ બધાંને જાતે સીમમાં લઈ ચારતો, ને પહર છોડતો, તે દિવસનાં હળી ગએલાં પશું એના હાથ ચાટવાની હોંશે કોઢયમાં પગ પછાંડ તા ને ભાં ભાં કરતાં. હવે નાગાજણની એ ટેવ પણ છુંટી ગઈ. જે મૂંગું દુઃખ આઈ નાગબાઈને હૈયે હતું તે જ દુઃખ હતુંઆ ઢોરોને હૈયે.
નાગાજણ રા’ની વતી દેશાટણે પણ ઉપડવા લાગ્યો. મોટાં રાજરજવાડાંમાં પણ એ જાણીતો ને માનીતો થઈ પડયો એની સલાહો પૂછાવા લાગી.
‘આઈ!’ ગામગામનાં લોક નાગબાઈ પાસે આવીને વધાઈ દેવા લાગ્યા. ‘આ તો ભારી મેળ મળ્યો: ગંગાજળિયો રાજા ને દેવી-ઘરનો ચારણ. આમાં તો દેશનું કલ્યાણ છે.’
‘તો સારું, બાપ!’ એટલું બોલીને આઈ ચૂપ રહેતાં. એને કદી આ સંબંધનો પોરસ આવ્યો નહિ. એના ઉમળકા બહાર દરશાણા નહિ. એની આપદા પણ બહાર નીકળી નહિ. એણે અસલની રીતભાત પણ છોડી નહિ. ઢોર-માલ ઘોળીને એ પોતે જ પાણી પાઈ આવતાં. છાણ વાસીદું પણ એ જાતે જ કરી લેતાં. નાગાજણે ઘણી ઘણી માથાકૂટ કરી કે હવે આ અવસ્થાએ શા સારુ વળગણ રાખો છો? કાં માલ ઓછો કરી નાખો, ને કાં હું માણસો રાખી દઉં.
‘ના બાપ! એમાં ક્યાં ઘસાઈ જાયેં છયેં? ને ઢોર કાંઈં પારકાં માણસ હથું મૂકાય? એ તો જીવતાં જીવ છે. કુટુંબીઓ છે. છોરુડાં છે ઘરનાં.’
‘આઈ! એક ખાનગી વાત પૂછવાનું મને રા’એ કહ્યું છે.’ નાગાજણે એક રાતે નાગબાઈને એકાંતે જણાવ્યું.
‘પૂછોને, બાપ!’
‘હાથીલાના હમીરજી ગોહિલની તો તમને સાંભરણ ને?’
‘તલે તલ યાદ. એને સોમનાથ જઈ મરશીયા સંભળાવનાર જ મારી બેન.’
‘એનો વીવા થયેલો ખરો?’
‘હા બાપ, ઈ વાત તો સૌએ ભેળા મળીને દાટી દીધા જેવી કરી છે. પણ વીવા નક્કી થયેલો.’
‘વેગડા ભીલની દીકરી સાથે?’
‘હા.’
‘કાંઈ મેલું તો નહિ ને?’ નાગાજણના પ્રશ્નનો મર્મ એ હતો કે રખે હમીરજીએ ફક્ત રસ્તામાં જુવાનીને સહજ એવી થોડી નબળાઈ આચરી હોય.
‘ના બાપ. જરીકે મેલું કે હીણું નહિ. સોમૈયાની સખાતે જાતાં ગોહિલજી વેગડા ભીલના મહેમાન બન્યા. વાળુ કરવા બેઠા. ઝાંખે દીવે પિરસવા આવેલી ભીલકન્યાને જોઈ. ને પછી એણે જ વેગડાજી પાસે વાત મૂકી કે મરવા જાઊં છું, પણ પાછળ વંશ નહિ રહે. વેગડાએ પોતાની દીકરીને પણ એ રાતે એકલી એકલી આંસુડાં પાડતી દીઠી. દીકરીએ તો હમીરજીને જ પોતાનો ધણી ધારી લીધેલ છે એવી એને જાણ પડી, પછી બીજે જ દિ’ ત્યાં રીતસર વીવા થયો ને હમીરજીએ એક રાતનો સંસાર ભોગવ્યો.’
‘આઈ. એ બાઈ હાથ આવેલ છે. બાઈને જુવાન બેટડો છે. એ કહે છે કે હમીરજીનું બાળ છે.’
આઈ થોડી ઘડી આંખો મીંચી ગયાં. પછી એણે જવાબ દીધો: ‘જોગમાયા કહે છે કે બેય સાચાં.’
‘પરગટ કરાય?’
‘શું કરવા?’
‘સોમનાથના રક્ષણહારનું બાળ સૌ રાજકુળો કબૂલે, કોઈક ઊંચું કુળ એને કન્યા આપે. ને એ રીતે રાજકુળો એક થાય.’
‘આશા નથી બાપ! કરી જુવો. પણ અમદાવાદમાં કોક ચાડી ખાશે તો?’
‘હા, એ વિચારવા જેવું. ‘ થોડીવાર રહીને નાગાજણે બીજી વાત પૂછી: ‘આઈ, રા’ને વરસ ઊતરતાં જાય છે.’
‘હા બાપ, આયખું તો કોનું બેઠું રહે છે?’
‘વાંસે પીંડ દેતલ કે વંશ રાખતલ કોઈ નથી.’
‘બાપ,’ આઈ હસ્યાં. ‘એ વાતનો ઇસારોય આપણાથી ન કરાય. રાજાને એવું ઓસાણ દેવું ઠીક નહિ.’
‘પણ કુંતાદેએ પોતે જ કાકલૂદી મોકલી છે કે રા’ ફરી પરણે.’
‘એવી સુજાણ થઈને?’
‘સ્ત્રીનું ખોળીયું છે ના!’
‘એને આ મમત મૂકી દેવાનું મું વતી ભણજે, ભા!’
‘પોતે તો મમતે ચડ્યા છે કે પોતાના પ્રારબ્ધમાં છોરું ન હોય તો રા’ને બીજું ઘર કરાવવું. ‘
‘અરે અસ્ત્રી! અરે અભાગી જાત અસ્ત્રીની!’
નાગબાઈની નજરમાં ચાલીશ વર્ષનો ભૂતકાળ તરવરી ઊઠયો. એ ગંભીર સાદે બોલ્યાં. ‘તું કહેછ ને બાપ, કે રા’ તો જ્ઞાની છે!’
‘હમીરજીનો દીકરો દીઠા પછી એના અંતરમાં શેર માટીની ઝંખના ઉપડી છે.’
‘કોના સારૂ! કયા ભવ સારુ! કયો વારસો સોંપી જવા સારુ!’ નાગબાઈ વેદના-સ્વરે જાણે કોઈ ભવિષ્યવાણી બોલતાં હતાં. ‘રાજા-રાણી વચ્ચે મેં તો ભારી મનમેળ સાંભળ્યા’તા ને.’
ભેળીઆ (ઓઢણા)ની મથરાવટી કપાળ ઉપર વધુ નીચી ખેંચીને નાગબાઈએ કહ્યું
‘નાગાજણ, છોરુની ઝંખના ઘરધણીના મનનું અમતૃ છે, પણ રાજધણીના જીવતરનું હળાહળ ઝેર છે. કુંતાદે રા’નો ફરી વીવા કરાવવા માગે છે એવી વાતનો વશવાસ કોઈ ન કરજો. અસ્ત્રીની ઈચ્છા છે એવું બાનું બહુ જૂનું છે, હમેંશાં અપાતું આવ્યું છે, પણ નરાતર ખોટું છે.’
નાગાજણ જવાબ દઈ ન શક્યો.
‘ને ભા! તુંઆમાં જાળવીને રે’જે. વધુ શું ભણું? ‘


Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s