મારા ઘરમાં ચકલીનો માળો-મધુસૂદન પારેખ

(આ લેખ ગુજરાત સમાચારના શતદલ માં થી લેવામા આવ્યો છે.)

અમારા દીવાનખાનામાં ભીંત પર લગાડેલી ભગવાનની છબીની પાછળ એક ચકલી ઘરસંસાર માંડવાની વેતરણમાં હતી. શરૃ શરૃમાં તો એણે એ રૃમમાં ઊડાઉડ કર્યું. નવું ઘર અનુકૂળ પડશે કે નહિ એની કદાચ એ તપાસ કરતી હોય પશુપક્ષીમાં ય એવી સમજ હોય છે. માત્ર એમની હિલચાલ, એમનો સ્વભાવ સમજવાની આપણામાં સમજ હોતી નથી.

માણસને ઘર લેવાનું હોય ત્યારે એકદમ સિક્કો મારી દેતો નથી. એ ઘર પસંદ કરતા પહેલાં સોસાયટી જુએ છે, આસપાસની વસતી અને બીજું એવું ઘણું બધું જુએ છે. પૂરી તપાસ કરે છે.

અમારી સોસાયટીમાં કૂતરી વિયાવાની હતી. એણે એ માટેની બરાબર પૂર્વતૈયારી અમારા કમ્પાઉન્ડમાં એક ક્યારામાં ખાડો ખોદીને વ્યવસ્થા કરી લીધી. આવી ન જેવી બાબતોમાં આપણું ધ્યાન ભાગ્યે જ જતું હોય છે – સિવાય કે આપણને એ હરકત પહોંચાડતી ના હોય.

ચકલીની ઊડાઊડ મને ગમી નહિ. હવે હું બાળક નહોતો. સમજદાર માણસ સંસારી બની ગયો હતો. મારું બચપણ ભૂતકાળમાં ખોવાઈ ગયું હતું. ગુજરાતી નિશાળમાં ભણતો ત્યારે ચકલીની કવિતા શિક્ષક ગવડાવતા,

ચકલી બહેન, ચકલી બહેન

અહીં રમવા આવોને!

કૂંડમાંથી પાણી પીજો, બાજુમાંથી દાણા વીણજો.

કવિતા બરાબર યાદ રહી નથી. કેટલાંક સુંદર બાલગીતો ય આજે આપણને છોડીને ભૂતકાળમાં ગાયબ થઈ ગયા છે.

ચકલીની ઊડાઊડ મને મારા કામમાં ખલેલ પહોંચાડતી હતી. હું ‘પક્ષી દિન’ વિશે લેખ લખી રહ્યો હતો અને આ નાનીશી ચકલી મને પજવતી હતી. એની પ્રવૃત્તિ એને માટે સર્જનાત્મક હતી. ચકલીને કે કબૂતરને કે કોઈપણ પંખીને એનોય ઘરસંસાર હોય. એને ય બચ્ચાં આવે. એમને માટે ઝાડ પર કે ઘરમાં કોઈ કબાટ પર કે ટિંગાડેલી છબી પાછળ માળો બાંધે એ સ્વાભાવિક છે.

એને ક્યાં ઇંટ ચૂના-સિમેન્ટના મકાનની જરૃર છે, થોડુંક ઘાસ અને ચાર પાંચ તણખલાં એને બસ થઈ જાય.

ચકલીને અમારા દીવાનખાનામાં ભગવાનની ટિંગાડેલી છબી પાછળ ઘર બાંધવાની જગ્યા ગમી ગઈ હશે. એટલે ઊડાઊડ પૂરી થઈ ગયા પછી એ બહારથી એની નાની શી ચાંચમાં ઘાસ, તણખલા કે દોરડી – ને એવું બધું લાવવા માટે આંટાફેરા કરવા લાગી. એની ધીરજને ધન્યવાદ આપવા જોઈએ, પણ હવે તો હું સમજદાર માણસ, પ્રકૃતિથી સાવ વિમુખ, અતડો બની ગયો હતો. ઘરમાં બિલાડી કે ગલુડિયું આવે તોય એને ઘરનાં અમે બધાં હડે હડે કરવામાં એકસાથે હતાં.

મારા રૃમમાં તણખલાં પડવા માંડયાં અને ચકલીની ઊડાઊડ વધી ગઈ – બહાર જવા આવવામાં, આંટાફેરા મારવાનો કંટાળો નહિ મને એની હિલચાલ જોવાનોય કંટાળો.

મેં એને ઊડાડી મૂકવા બેત્રણવાર તાળી પાડી. એની પ્રવૃત્તિ અટકે, વળી પાછી ચાલુ.

ઘરમાં-રૃમમાં તણખલાં વેરાવા માંડયાં. હું લેખક, લખવામાં વ્યસ્ત. ‘પક્ષી દિન’ વિશે લખવાની તેવડમાં મેં પત્નીને જ બૂમ મારી. તણખલાં, ચકલીની ઊડાઊડ બતાવી – કહ્યું : ‘બારી બારણાં બંધ કરો એટલે કામ અટકી જશે, એ કંટાળીને બીજે જતી રહેશે.’ પત્નીને મારી દરખાસ્ત ગમી નહિ. સ્ત્રીઓ સ્વભાવથી દયાળુ હોય છે. એમને પશુપંખી માટે જેટલી મમતા થાય છે એટલી પુરુષને થતી નથી. એણે કહ્યું : ‘બિચારી એનાં બચ્ચાં માટે માળો બનાવે છે. ખુદ ભગવાન ફરિયાદ કરતા નથી. એમણે પોતાની પાછળ એને માળો બાંધવાની છૂટ આપી છે ને તમે કેમ ખોટી કચકચ કરો છો? બિચારીના આશીર્વાદ મળશે.’

મારી પ્રકૃતિ જડ બુધ્ધિને એની વાત ગમી નહિ. હું સફાઈનો ઈજારદાર. જાતે સફાઈ ના કરું પણ નોકર પાસે પૂરી સફાઈ કરાવું.

પત્નીની ભાવના મને ગમી નહિ, મેં એને ગભરાવીને ઉડાડી મૂકી. એ પ્રસંગ બન્યા પછી મારા મનમાં ચકલી ભરાઈ ગઈ. એણે મારા મગજમાં જ ચીંચીં ચીંચીં કરવા માંડયું.

રાતે હું એના જ ખ્યાલમાં ઊંઘી ગયો. અને હું ચકલીને દાણા નાખવા ઓટલા પર દોડી જતો હતો. મારું બચપણ પાછું આવી ગયું હતું. ઘરની બારીમાં તપેલીમાં દાણા રાખ્યા હતા. હું મૂઠી ભરીને ઓટલા પર દાણા વેરતો. ચકલીની રાહ જોઈ રહ્યો હતો. એક ચકલી આવી. દાણા વીણવા લાગી. એની પાછળ બીજી, પછી ત્રીજી. ચકલીઓની મંડળી શરૃ શરૃમાં ગભરાતી ગભરાતી દાણા ચણવા લાગી, પણ એમણે જાણી લીધું કે બીવા જેવું નથી. એટલે હું ઓટલા પર જરા દૂર બેઠો હતો ત્યાં સુધી આવતી થઈ. હું એમને ચપચપ દાણા વીણીને ચાંચમાં પકડતી જોઈ ખુશ થઈ ગયો. મને ચકલી ગમી ગઈ.

સવારે મેં પત્નીને કહ્યું : ‘ચકલી ભલે ભગવાનની છબી પાછળ માળો બાંધે. એય ભગવાનની જ સરજેલી છે. આપણી ચકલીએ પણ બીજે ઘેર માળો બાંધ્યો જ છે ને!’


Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s