ઓથાર – મીનલ દવે

images.jpg             હાથ કમ્પ્યુટર પર કામ કરતા હતા, આંખ ઘડિયાળ પર ફરતી હતી. આજે પહેલી મેમુ નહીં પકડાય. મિસિસ રાવ પણ ખરાં છે ! એમને છેક છૂટવાને સમયે કામ યાદ આવ્યું. એમની એ વાત ખરી કે દસ-બાર દિવસ પછી આજે ઑફિસ ખૂલી છે, એટલે કામ ભેગું થઈ ગયું છે. પણ બહેન મારી, તું તો હમણાં તારા વરના સ્કુટર પાછળ બેસીને ઘર ભેગી થઈ જઈશ ને ગરમ ગરમ ઈડલી-સંભાર ખાઈશ. મારે તો આ ટ્રેન ચુકાય પછી એક કલાક સ્ટેશન પર તપ કરવાનું. અને બીજી ટ્રેનના ખાલી ડબ્બામાં ફફડતાં ફફડતાં બે કલાકે ઘેર પહોંચવાનું, એ પીડા તને કેમ સમજાય ?

હાશ, કામ પત્યું. લો, બહાર નીકળતાં જ રિક્ષા પણ મળી ગઈ. અરે, ભાઈ જરા જલદી ભગાવજે. કેટલે દિવસે આજે શહેરમાં કરફર્યુમુક્તિ જાહેર થઈ છે. લોકો તો જાણે પાંજરામાંથી છૂટ્યા હોય એમ ભાગમભાગ કરે છે. ગાંડી પ્રજા છે આ. હમણાં જરાક ફટાકડો ફૂટે ને બધાં ઘરમાં પેસી બારણાં બંધ કરી દે. અત્યારે ભલે ને સ્કૂટર ને કાર લઈને નીકળી પડ્યાં હોય.

લો, આ સિગ્નલનેય અત્યારે જ લાલ લાઈટનું મુહુર્ત નીકળ્યું. અકરમીનો પડિયો કાણો તે આનું નામ. સાત રૂપિયા તૈયાર રાખ્યા છે કે, અર્ધી મિનિટ પન એ માટે ન બગડે. સ્ટેશનમાંથી લોકો બહાર નીકળે છે, નક્કી ટ્રેન પકડવી છે તેને પહેલાં પહેલાં જવા દો ને ! આ રેલવેવાળા પણ ખરા છે. છેક ગામને છેડે દાદર બનાવ્યો છે, ને ચોથા પ્લેટફોર્મ પર ટ્રેન ઊપડવાની તૈયારીમાં છે. દોડું તો ખરી. લો, આ, આ છેલ્લાં બે જ પગથિયાં બાકી છે, ને ટ્રેન ઉપડી ગઈ. વગાડો મંજીરાં ને ગાવ ભજન !

ચા વાળો કહે, ‘બહેન, હવે તો એક કલાક બેસવું પડશે.’ કેવી રીતે જુએ છે જો ને ! આખા પ્લેટફોર્મ પર કોઈ પૅસેન્જર જ નથી. હમણાં બે મિનિટ પહેલાં તો કેટલા માણસો હતા, ને હવે ? પથરો પડે ને ચકલી ઊડી જાય એમ બધા ફરરર….. ઘડીક થાય છે કે સ્મિતાને ત્યાં જતી રહું. એક કલાક અહીં બેઠાં પછી ટ્રેનમાં પણ કંપની મળશે કે કેમ તે એક સવાલ છે. હજી વાતાવરણમાં ડરની ગંધ છે. ચા વાળો મને જુએ છે તોય મને ભય લાગે છે કે મારા પર ગરમ ચાનું તપેલું તો નહીં રેડી દે ને ? કઈ જાતિનો છે કોને ખબર ? આપણે નાત-જાતમાં નથી માનતાં, ધરમકરમમાં નથી માનતાં, એની એને થોડી ખબર છે ? એ તો મારો ચાંલ્લો જુએ છે, મંગળસુત્ર જુએ છે. ના, ના, બધા માણસો કંઈ એવા થોડા હોય ? તરસ લાગી ગઈ. પણ પર્સમાં જોયું તો પાણીનો બૉટલ ખાલી છે.

લાવ, પી.સી.ઓ પરથી ઘેર ફોન કરી દઉં. ને પાણી તથા મૅગેઝીન લઈ લઈશ. વિક્રમે જ ફોન ઉપાડ્યો. બીજી મેમુમાં આવવાની વાત સાંભળીને ચીડાઈ ગયા. પણ મેં તો ફોન મૂકી જ દીધો. એમનો ખીજભર્યો અવાજ ફોનમાંથી ઝૂલતો મારા લગી પૂરો પહોંચી ન શક્યો.
પી.સી.ઓ વાળાએ સલાહ આપી, ‘બહેન, આટલાં મોડાં એકલાં ટ્રેનમાં ન જશો. અત્યાર સુધી વાત જુદી હતી. હવે જવાય એવું નથી રહ્યું.’
શું બદલાઈ ગયું આ દસ દિવસમાં ? માણસે રડવાનું છોડી દીધું ? માણસ પ્રેમ કરતાં ભૂલી ગયો ? બાળજન્મ અટકી ગયા ? ફૂલો ખીલવાને બદલે ખરવા લાગ્યાં ? કંઈ તો બદલાયું નથી. તો પછી આ ડર, આ ખોફ, આ શંકાનો માહોલ શાને ?

બુકસ્ટૉલ પર નજર નાખી. છાપાંમાં એ જ આંકડાની રમત, મોતની માયાજાળ, અગનખેલ, ગોળીઓની ભાગદોડ, બે મૅગેઝિન લઈને બૅન્ચ પર જઈને બેઠી. પ્લેટફોર્મ સાવ ખાલી છે. ચાની લારીના ચૂલા ઓલવાઈ ગયા છે. ભજિયાંનું તેલ ટાઢું પડી ગયું છે. કોલ્ડડ્રિંક્સની બાટલીઓ ડબ્બામાં પુરાઈ ગઈ છે. સ્ટૉલ પર કામ કરતા છોકરાઓ ઊંઘે છે. પૉલિશવાળો લંગડો છોકરો ઘોડીનું ઓશીકું બનાવીને જંપી ગયો છે. પણ મારી બૅન્ચ પાસે બેઠેલા કૂતરાને નિરાંત નથી. ઊભું થાય છે, ગોળ ગોળ ફરે છે, મોં ઊંચું કરીને લાંબે રાગે ભસે છે, કાન ઊંચા કરીને જુએ છે. સાશાંક બનીને બેસે છે. ઘડીવાર રહીને પગ ને માથું નજીક લાવી ગોળ કુંડાળુ કરી પડી રહે છે. ફરી ઊભું થાય છે. સામેના પ્લેટફોર્મ પર બે કૂતરાં હાંફતાં બેઠાં છે. આ એમનાથી ડરતું હશે ?

વાંચતાં વાંચતાં અચાનક ધ્યાન ગયું, મારી બાજુમાં એક બાઈ આવીને બેસી ગઈ છે. કાળા બુરખામાંથી એના હાથ સિવાય કંઈ દેખાતું નથી. સાથે મોટો થેલો છે. મોં પર જાળી છે, પણ એની આંખો એમાંથી દેખાતી નથી. તોય એટલી તો ખબર પડે છે કે એ મને જુએ છે. આખા પ્લેટફોર્મ પર આટલી બધી બૅન્ચ ખાલી છે ને એ મારી પાસે આવીને જ કેમ બેઠી ? એનો ઈરાદો શો છે ? એના થેલામાં બૉમ્બ-બૉમ્બ તો નહીં હોય ને ? ધારો કે એ થેલો મૂકીને જતી રહી ને બૉમ્બ ફાટે તો ? મારું શું થાય ? મારો વર ને છોકરાં તો રખડી જ પડે ને ? કદાચ એવું નયે થાય. એ બિચારી તો ચુપચાપ બેઠી છે. પણ ચુપ બેઠી છે એટલે કશું ન કરે એવું તો ન કહેવાય ને ? ઊભી થઈને બીજી બૅન્ચ પર જતી રહું ? ઉઠાતું જ નથી. પગ જાણે થાંભલા થઈ ગયા છે. જીભ તાળવે ચોંટી ગઈ છે. હાથથી પર્સને સજ્જડ પકડી રાખ્યું છે. આ શિયાળાની સાંજે મારા હાથ પર કપાળેથી પરસેવાનું ટીપું પડે છે.

‘કેમ બહેન, કાં ચાઈલાં ?’ દાળવાળો ચિમન મારે માટે દેવદૂત બનીને આવ્યો. હવે નસોમાં રક્તસંચાર શરૂ થયો. જાણે સંચારબંધીમાંથી મુક્તિ જાહેર થઈ. ‘બહુ મોડાં પઈડાં ? પેલી તો ગઈ.’ હસીને માથું ધુણાવ્યું. હજી જીભ ઉપાડતાં ડર લાગે છે, અવાજ થોથવાશે તો ?

‘અંઈ કાં બેઠાં ?’ એણે મને ઊભા થવાનો ઈશારો કર્યો. ‘અત્તારે તે આવામાં બેહાતું ઓહે ?’ પણ મારા પગમાં હજી ઊઠવાની તાકાત નથી. ચિમન જરા વાર ઊભો રહીને મારી મૂર્ખતા પર હસતો ચાલતો થયો. એની વાત ખરી હતી, મારે ઊઠી જવું જોઈએ. બાજુવાળીનો ભરોસો થાય ? પર્સમાંથી છરો કાઢીને હુલાવી દે તો કોઈને ખબર પણ નહીં પડે. અરે, એક લાત મારે તોય હું તો નીચે પડી જઉં. એના હાથ જો ને, કેવા પુરુષ જેવા પહોળા પહોળા છે ! ક્યાંક કોઈ ખૂંખાર ખૂની તો બુરખો પહેરીને નહીં બેઠો હોય ને ? હવે ? ઊભી પણ શી રીતે થઉં ? ક્યાં કમત સૂઝી કે અત્યારે જવા તૈયાર થઈ ? હે મારા રામ, સલામત પહોંચાડજે. આ જો કંઈ કરશે તો કહી દઈશ કે બાઈ, તારે જે જોઈએ તે લઈ લે પણ મને મારીશ નહીં. તરસે ગળામાં કાંચકી બાઝી ગઈ. હાથ તો ફ્રીઝ થઈ ગયા છે. કોઈ આવતું દેખાય તો અહીંથી ઊભી થઈ જઉં. આંખને ખૂણેથી પ્લેટફૉર્મના છેડા લગી નજરને દોડાવું છું. કોઈ દેખાતું નથી. ક્યાં ગયા બધા લોકો ?

હજી ગઈ કાલ સુધી તો રેલવે સ્ટેશનના પ્લૅટફોર્મ અને ટ્રેનના ડબ્બાઓ માણસોથી ધમધમતા હતા. પગ મૂકવાની જગ્યા શોધી જડતી ન હતી. અને જેમાં રોજ બેસવાનું થાય તે લૅડિઝ કમ્પાર્ટમેન્ટ ? સ્ટેશને સ્ટેશને સ્ત્રીઓ અંદર ઠલવાતી જાય, ચાળણામાંથી ચાળાતા દાણાની જેમ કેટલીક બહાર ઊતરતી જાય, ધીરે ધીરે થાળે પડીને પોતાની જગ્યાએ ગોઠવાતી જાય. પર્સ ને થેલીઓ ઊઘડતાં જાય, તુવેર, પાપડી, વટાણા, લીલું લસણ બહાર નીકળતાં જાય, ફોલાતાં જાય. કોઈક થેલામાંથી રંગીન દોરા નીકળી પડે ને સાડી કે કૂર્તા પર ફૂલ-પાંદડી ખીલતાં જાય. ક્યાંક સ્વેટરની ભાગ ગૂંથાતી જાય, પાપડ-પાપડી-ચટણી-અથાણાં-મસાલાનાં પૅકેટ વેચાતાં-ખરીદાતાં જાય. સાસુ કે પતિના ત્રાસની વાતે રડતી સ્ત્રીનાં આંસુ લુછાતાં જાય, ઑફિસના કડવા-મીઠા અનુભવોની આપ-લે થઈ જાય, સગાઈ-લગ્નની મીઠાઈ અહીં પણ અપાય, ક્યારેક મારામારી ને ગાળાગાળીનો દોર પણ ચાલે. સાથે જ રામરક્ષાકવચ ને ગાયત્રી મંત્રના પાઠ ભણાતા હોય, જરાક જગ્યા કરી – આસન પાથરી નમાજ પણ પઢાતી જાય. સ્ટેશન આવે ને ખાલી જગ્યા પુરાતી જાય. આજે ક્યાં ગયા એ ચહેરાઓ ? એ તુવેર-વટાણા-લસણ-પાપડ-મસાલા ભરેલી થેલીઓ ? ને એની જગ્યાએ દેખાય છે આતંકિત ચહેરાઓ ને શંકા-કુશંકા ભરેલી થેલીઓ. એનાથી શી રીતે બચવું ?

અરે, ટ્રેન આવી ગઈ, ને ખબર પણ ન પડી ? લૅડિઝ કંપાર્ટમેન્ટમાં ચડી, ને પાછળ પાછળ જ પેલી બુરખાવાળી પણ આવી છે. હે ભગવાન, આ મારો પીછો કેમ નથી છોડતી ? કંપાર્ટમેન્ટ તો સાવ ખાલી છે. માંડ બે-ત્રણ સ્ત્રીઓ છે. એક માછણ પોતાનો ખાલી ટોપલો સીટ પર રાખીને ઊંઘતી પડી છે. ભલે ટોપલો ગંધાય, પણ કોઈક બેઠું છે, તો રાહત કેટલી ! પેલી તો સામે જ આવીને બેઠી.

બહાર તો અંધારું જામવા માંડ્યું છે, આનાં કાળા બુરખા જેવું જ. ક્યાંય પ્રકાશની કોઈ રેખા દેખાતી નથી કે એને વળગીને આ અંધારાના સાગરને તરી જાઉં. શું કરું, કશું સૂઝતું નથી. અંધકારથી બચવા, કાળા બુરખાથી બચવા મેં તો આંખો જ બંધ કરી દીધી. શું કરતી હશે એ ? લોકો તો કહે છે કે એનો ભરોસો જ ન થાય. ક્યારે છરો કાઢીને તમને હલાલ કરી નાખે ખબર ન પડે. કૉલેજમાં અમારી સાથે હસીના ભણતી હતી. એસ.વાયમાં ત્યાં એના ભાઈએ એની ભાભીને છરો મારીને મારી નાખેલી. આ બાઈ પણ એવું કરે તો ?

કોઈ હલબલાવતું હતું. આંખો ખોલી તો સામે પેલી બુરખાવાળી ઊભી હતી. હે ભગવાન, આ શું કરશે ? કોને બૂમ પાડું ? પેલી માછણ તો આરામથી ઘોરે છે. આ મને મારી નાખશે તો એને ખબર પણ નહીં પડે ! ચાલુ ટ્રેને કૂદી પડું ? હે રામ, મને બચાવી લે જે. કાલથી આ ટ્રેનમાં નહીં આવું. અરે, નોકરી જ નહીં કરું. ભાડમાં જાય અપડાઉન. એક ટંક ભૂખ્યાં રહીશું, પણ આ ઓથાર નહીં સહેવાય.

‘બહેનજી, બહેનજી !’ બુરખાવાળી બોલી ને ઊમેર્યું, ‘મેરા સ્ટેશન આ ગયા. અચ્છા હુઆ આપ યહાં બૈઠી થી, વર્ના મેરી તો હિંમત હી નહીં થી, ઈસ માહોલ મેં અકેલે જાના… આપ સમઝતી હૈ ન ?’ અરે, એ પણ ડરતી હતી ! મારી જેમ જ ! અને હું એનાથી ડરતી હતી ! મારાથી હસી પડાયું.
‘ઈસ મેં ડરને કી ક્યા બાત હૈ ? મૈં તો હર રોજ અપડાઉન કરતી હું.’ મારો અવાજ ટ્રેનની વ્હીસલના અવાજને પણ દબાવતો હોય તેવો નીકળ્યો.

એણે મારા હાથ પર હાથ મૂકીને ‘ખુદા હાફિજ’ કહ્યું. એના વજનદાર હાથમાં ઉષ્મા હતી. પરસેવાની ભીનાથ હતી, તે ભીનાશમાં મારી હથેળીનો પરસેવો ભળી ગયો. સ્ટેશન પર ગાડી ઊભી રહી. એના મોટા થેલાને ઉતારવામાં મેં હાથ આપ્યો. થેલો હલકો ફૂલ લાગતો હતો. ટ્રેન ઊપડી. સ્ટેશનના ઝાંખા પ્રકાશમાં એક આકાર ધીમે ધીમે ઓગળવા લાગ્યો.

માછણે બગાસું ખાધું. આળસ મરડી ટોપલામાંથી એક થેલી કાઢી અને વાલોળ વીણવા લાગી. ડબ્બામાં માછલીની વાસ સાથે પરસેવાની ગંધ ને વાલોળની લીલાશ ફેલાઈ ગઈ. બહાર અંધકારમાં ચમકતા તારાઓ મને ઘરની દિશા તરફનો માર્ગ બતાવવા લાગ્યા.


One thought on “ઓથાર – મીનલ દવે

 1. I’ve been surfing online greater than three
  hours today, but I by no means found any attention-grabbing article like yours.

  It is lovely price sufficient for me. Personally, if all
  site owners and bloggers made just right content material as
  you probably did, the net might be much more useful than ever before.

  Liked by 1 person

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s