પ્રેરક પ્રસંગો- ટૂંકી વાર્તાઓ

સુખદ અંત : હઝરત મોહમ્મદ

હઝરત મોહમ્મદ એમના ઘરેથી જ્યારે નીકળતા તો રોજ એમનો એક પાડોશી એમના ઉપર ઘરના છાપરા પર રાખેલ કચરો ફેંકતો. હકીકતમાં તે કોણ જાણે કેમ એમના ઉપર નફરત કરતો હતો. પણ મોહમ્મદ સાહેબ કશું ન કહેતા. તેઓ એક નજર એના પર નાખતા અને હસીને આગળ ચાલ્યા જતા.

એમની આ રીતથી તે વધુ ચિડાતો. તે પણ એની જીદ પર મક્કમ હતો. જોઈએ છે કે છેવટે આ વૃદ્ધ ક્યાં સુધી સહન કરે છે ? આ પરંપરા લાંબો સમય ચાલતી રહી. ન તો મહમ્મદ સાહેબને કદી ગુસ્સો આવ્યો કે ન પાડોશીની નફરત કંઈ ઓછી થઈ.

પણ એક દિવસે આ ક્રમ તૂટ્યો. જ્યારે મોહમ્મદ સાહેબ એ ગલીમાંથી પસાર થયા અને એમના ઉપર કચરો ન પડ્યો, તો એમણે છાપરા તરફ જોયું. પાડોશી હાજર ન હતો. એટલે એમણે બીજા પાડોશીઓ મારફત એની તપાસ કરાવી. જાણવા મળ્યું કે રાતથી જ એની તબિયત સારી નથી. માંદો પડ્યો છે.

મોહમ્મદ સાહેબ ઉપર ગયા. પાડોશીની ખબર પૂછી અને એની તંદુરસ્તી માટે ત્યાં જ બેસીને અલ્લાહની બંદગી કરવા લાગ્યા. આ બધું જોઈને તો પાડોશી પરેશાન થઈ ગયો. તે મોહમ્મદ સાહેબના પગમાં પડ્યો અને પોતાની ભૂલ માટે માફી માગવા લાગ્યો.

મોહમ્મદ સાહેબ કંઈ પણ બોલ્યા વિના એને ભેટી પડ્યા અને આ રીતે વર્ષોથી ચાલતી પેલી નફરતનો સુખદ અંત આવ્યો. પાડોશી મોહમ્મદ સાહેબનો શિષ્ય બની ગયો હતો. જીવનભર તે એમનાં ગુણગાન ગાતો રહ્યો.


………….
નિઝામને શરમ આવી : પંડિત મદનમોહન માલવિયા

મદનમોહન માલવિયાજીના જીવનનો આ પ્રસંગ છે. એ સમયે તેઓ કાશી હિન્દુ વિશ્વવિદ્યાલય માટે દાન લેવા માટે હૈદ્રાબાદના નિઝામ પાસે ગયા હતા. નિઝામે એમને કંઈ પણ મદદ કરવાની ઘસીને ના પાડી દીધી, પણ માલવિયાજી પણ એટલી જલ્દી હાર સ્વીકારે તેવા ન હતા, તેઓ મોકાની રાહ જોતા હતા.

સંજોગોવશાત એ સમયે એક શેઠનું મૃત્યુ થયું. ધામધૂમ સાથે એમની શબ-યાત્રા નીકળી. શબયાત્રામાં એમના ઘરનાઓ પૈસાનો વરસાદ વરસાવતા ચાલી રહ્યા હતા. માલવિયાજીને એક વિચાર આવ્યો અને તેઓ પણ આ શબયાત્રામાં જોડાયા અને પૈસા એકઠા કરવા લાગ્યા.

આ મહામાનવને આવું કરતા જોઈને લોકોને આશ્ચર્ય થયું. એક મિત્રે પૂછ્યું, ‘માલવિયાજી આપ ! આપને આવું કરવાનું આ શું સૂઝ્યું ?
માલવિયાજીએ તરત જ કહ્યું : ‘ભાઈ, શું કરું ? તમારા નિઝામે કંઈ પણ આપવા માટે ના પાડી દીધી અને ખાલી હાથે જ્યારે બનારસ પહોંચીશ તો લોકો પૂછશે કે હૈદ્રાબાદથી શું લાવ્યા ? તો એમ કહું કે ખાલી હાથે આવ્યો ? ભાઈ, એ તો દરેકને માટે શરમની વાત છે. નિઝામનું દાન નહીં તો શબયાત્રાનું સહી.’

વાત ફેલાતાં ફેલાતાં નિઝાલ સુધી પહોંચી. આ સાંભળીને નિઝામ ખૂબ જ શરમિંદા થયા. પછી જાતે આવીને માલવિયાજીની માફી માગી અને વિશ્વવિદ્યાલય માટે એમણે મોટું દાન આપ્યું.

………….
હાજરજવાબ : ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્

એક ભોજન સમારંભમાં અંગ્રેજોનાં વખાણ કરતાં એક અંગ્રેજે કહ્યું, ‘ઈશ્વર અમને અંગ્રેજોને ખૂબ જ ચાહે છે. એમણે અમારું નિર્માણ ખૂબ જ મહેનત અને પ્રેમથી કર્યું છે. એ કારણે જ અમે ગોરા અને સુંદર છીએ.’

એ સમારંભમાં ડૉ. રાધાકૃષ્ણન્ પણ ઉપસ્થિત હતા. એમને આ વાત ન ગમી. એટલે એમણે હાજર રહેલા મિત્રોને એક મજાકનો પ્રસંગ કહ્યો.

‘દોસ્તો, એકવાર ઈશ્વરને રોટલી બનાવવાનું મન થયું. એમણે જે પહેલી રોટલી બનાવી તે જરા ઓછી શેકાઈ. પરિણામે અંગ્રેજોનો જન્મ થયો. બીજી રોટલી કાચી ન રહે તેથી ભગવાને એને વધુ વાર શેકી અને તે બળી ગઈ. એમાંથી નિગ્રો લોકો પેદા થયા. પણ આ વખતે ભગવાન સચેત બની ગયા. તે ધ્યાનથી રોટલી શેકવા લાગ્યા. આ વખતે જે રોટલી શેકાઈ તે ન તો વધુ કાચી હતી કે ન વધુ શેકાયેલી. બરાબર શેકાયેલી હતી અને એના પરિણામ સ્વરૂપ અમે ભારતીયોનો જન્મ થયો.

આ પ્રસંગ સાંભળી પેલા અંગ્રેજનું માથું શરમથી ઝૂકી ગયું. અને બાકીનાનાં તો હસીહસીને પેટ દુખ્યાં.

………….
શાપ : હજારીપ્રસાદ દ્વિવેદી

એ દિવસોમાં આચાર્ય હજારીપ્રસાદ દ્વિવેદી કાશી હિન્દુ વિશ્વવિદ્યાલયમાં ‘રેકટર’ તરીકે હતા. એક દિવસ વિદ્યાર્થીઓએ એમની કોઈ માગણીના કારણે એમણે ઘેરી લીધા અને પોતાની વાત સ્વીકારવા માટે જીદ કરવા લાગ્યા. કેટલાક વિદ્યાર્થીઓએ તો ‘હુરિયો’ પણ બોલાવવા માંડ્યો.

દ્વિવેદીજી એ બધાને શાંત પાડતાં એમનું ટૂંકું પ્રવચન આપ્યું અને છેવટે કહ્યું : ‘તમે વગર કારણે મારી અવગણના કરી છે. એટલે હું તમને શાપ આપું છું કે તમારામાંથી દરેક કોઈ આ જન્મમાં અથવા આગલા જન્મમાં કોઈને કોઈ વિશ્વવિદ્યાલયના વાઈસ ચાન્સેલર જરૂર બને.’

આ સાંભળીને બધા વિદ્યાર્થીઓ હસી પડ્યા, અને જોતજોતામાં ઉશ્કેરાટ શમી ગયો. વિદ્યાર્થીઓએ પોતાની ભૂલ સ્વીકારી અને આચાર્ય સાહેબે ક્ષમા આપીને બધાને ખુશ કરીને વિદાય કર્યા.

………….
નિર્બળ મનોબળ : મહાદેવી વર્મા

સુપ્રસિદ્ધ હિન્દી કવિયત્રી મહાદેવી વર્માના શરૂઆતના દિવસોનો પ્રસંગ છે. એકવાર એમના મનમાં બૈદ્ધ ભિક્ષુણી બનવાનો વિચાર આવ્યો પણ છેવટની ઘડીએ એમનો વિચાર બદલાઈ ગયો, આમ કેમ બન્યું એ એમના જ શબ્દોમાં સાંભળીએ…..

ત્યારે હું કૉલેજના પ્રથમ વર્ષમાં ભણતી હતી. મનમાં વિચાર આવ્યો કે ભિક્ષુણી બની જાઉં. મેં લંકાના બૌદ્ધ-વિહારમાં પત્ર લખ્યો. એમને જણાવ્યું કે હું ભિક્ષુણી બનવા માગું છું. દીક્ષા માટે લંકા આવું કે આપના કોઈ ભિક્ષુ ભારત આવશે ?
એમણે જવાબ આપ્યો : ‘અમે ભારત આવીએ છીએ. નૈનીતાલમાં રોકાઈશું. તમે ત્યાં આવીને મળો.’ મેં ભિક્ષુણી બનવાનો નિશ્ચય કરી લીધો. મારી બધી મિલ્કત દાન કરી દીધી. જ્યારે નૈનીતાલ પહોંચી અને જ્યારે જોયું તો ત્યાં અંગ્રેજો જેવો ઠાઠમાઠ છે, મને થયું – આ કેવો ભિક્ષુ છે. ભાઈ, આવો જ ઠાઠમાઠ રાખવો હોય તો ભિક્ષુ શા માટે બનવું ? ખેર, તો પણ હું ગઈ.

સિંહાસન પર ગુરુજી બેઠા હતા. એમણે ચહેરાને પંખાથી ઢાંકી રાખ્યો હતો. એમને જોવા હું આગળ વધી. એમણે મ્હોં ફેરવી ફરી ચહેરો ઢાંકી દીધો. હું જોવાનો પ્રયત્ન કરતી અને તે ચહેરો ઢાંકી દેતા. કેટલીયે વાર આમ બન્યું અને અમને ગુરુનો ચહેરો જોવા ન મળ્યો. જ્યારે મંત્રીવર અમને વળાવવા બહાર સુધી આવ્યા, ત્યારે અમે એમને પૂછ્યું : ‘ગુરુજી મ્હોં પર પંખો કેમ રાખે છે ?’
એમણે જવાબ આપ્યો : ‘તે સ્ત્રીનું મ્હોં જોતા નથી.’

મેં મારા સ્વભાવ પ્રમાણે એમને સ્પષ્ટ કહી દીધું, ‘જુઓ, આવી નિર્બળ વ્યક્તિને અમે ગુરુ નહીં બનાવીએ. આત્મા ન તો સ્ત્રી છે, ન તો પુરુષ. ફકત માટીના શરીરને જ આટલું મહત્વ કે આ જોવાય અને આ ન જોવાય ?’
પછી હું પાછી આવી. એમના ઘણા પત્રો આવ્યા, વારેવારે પુછાવતા – ‘આપ ક્યારે દીક્ષા લેશો ?’
મેં કહ્યું : ‘હવે શું દીક્ષા લઈએ. આવા નિર્બળ મનોબળવાળા અમને શું આપશે ?’

અને આ રીતે મહાદેવીજી બૌદ્ધ ભિક્ષુણી બનતાં બનતાં રહી ગયાં, અને મહાદેવીના રૂપમાં હિન્દી જગતને મળ્યો છાયાવાદનો એક મહાન સ્તંભ…


Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s