મુલ્લા નસરુદ્દીન

વ્યર્થ ફાંફાં

મુલ્લા નસરુદ્દીન નદીકિનારે ઊભા ઊભા શાંતિથી નદીનો પ્રવાહ નિહાળી રહ્યા હતા. ત્યાં તેમનો પાડોશી હુસેન આવી ચડ્યો. તેણે બળાપો કાઢ્યો : ‘મુલ્લા, હું તો હેરાન-પરેશાન થઈ ગયો છું. શેઠ સરખો પગાર આપતા નથી. ઘરમાં બૈરી કંકાસ કરે છે. છોકરાં ભણતાં નથી, કહ્યું માનતાં નથી. કરિયાણાવાળો દાણો-પાણી ઉધાર આપતો નથી. આમ જાઉં છું, તેમ કરું છું, પણ કોઈ કામ બનતું નથી. હું તો નદીમાં આપધાત કરવા આવ્યો છું. મુલ્લા, તમારા ઘરમાંય હાલ્લાં કુસ્તી કરે છે. કઈ રીતે તમે અહીં બેફિકર બની નદીકિનારે ઊભા છો ?’
મુલ્લાએ કહ્યું, ‘હુસેન, નદીમાં વહી રહેલું પેલું તણખલું જોયું ?’
હુસેને જવાબ આપ્યો : ‘હા.’
‘એ તણખલું આમ કે તેમ જવા ફાંફાં મારે છે ખરું ?’ મુલ્લાએ પૂછ્યું.
‘ના.’ હુસેને ડોકું ધુણાવ્યું.

‘એ તણખલું વહેતું વહેતું કદાચ કિનારે પહોંચી જાય અને તેમાંથી ઘાસ ઊગે કે પછી એ વહીને નદી સાથે દરિયામાંય ડૂબી જાય, પણ એ આમ કે તેમ જવા હવાતિયાં નથી મારતું. એ મારું ગુરૂ છે. મને શીખવે છે કે ઝાવાં ન મારવાં. નદીના પ્રવાહ સાથે વહેતા જવું. તું ય માથાફોડ છોડ અને જીવનના પ્રવાહમાં વહેવા માંડ. આપોઆપ શાંતિ મળશે.’
મુલ્લાની વાત સમજીને હુસેન ચાલતો થયો.

…………………..
કોણ બનાવે કોને મૂરખ ?

મુલ્લા નસરુદ્દીન ચાર-પાંચ મિત્રો સાથે ગામ-ગપાટા મારતા ચા-ઘરમાં (સમુહમાં ચા પીવાનું સ્થાન) બેઠા હતા. ત્યાં એક મશહૂર મશ્કરો આવી ચડ્યો. મજાકોથી એ બધાને હસાવવા માંડ્યો. મુલ્લા બાજુએ રહી ગયા. મુલ્લાને એ ગમ્યું નહીં.

મશ્કરાએ ડંફાસ મારી, ‘મને મૂરખ બનાવી શકે એવો કોઈ પેદા થયો નથી. મને મૂરખ બનાવે તેને એક કોથળી સોનામહોર આપું અને જો તે મને મૂરખ ન બનાવી શકે તો તેણે મને એક કોથળી સોનામહોર આપવી પડશે.’ ગિન્નાયેલા મુલ્લાએ પડકાર ઉપાડી લીધો. એમણે મશ્કરાને કહ્યું, ‘હું પાંચ મિનિટ ઘરે જઈ આવું, પછી તને મૂરખ બનાવીશ.’

ઘરે જઈ મુલ્લા મશ્કરાને મૂરખ બનાવવાની યુક્તિ વિચારવા લાગ્યા. ઊભા ઊભા કે બેઠા બેઠા કંઈ સૂઝ્યું નહીં. એમને થયું કે ઊભા રહેવાથી કે બેસવાથી બુદ્ધિ નીચે ઊતરી જાય છે, એટલે એમણે લંબાવ્યું. પગ નીચે ઓશીકાં મૂક્યાં જેથી બુદ્ધિ નીચે સરી ન જાય. બુદ્ધિ તો જાગી નહીં, પણ મુલ્લા થોડીવારમાં ઘસઘસાટ ઊંઘી ગયા.

બીજી તરફ મશ્કરો ચા-ઘરમાં રાહ જોતો બેઠો હતો. કલાક, બે કલાક….એમ કરતાં સાંજ પડી ગઈ. મશ્કરો સમજી ગયો કે મુલ્લા તેને બનાવી ગયા. સોનામહોરની કોથળી લઈ મશ્કરો મુલ્લાને ઘેર ગયો. મુલ્લા તો ઊંઘતા હતા. શરમનો માર્યો મશ્કરો ઊંઘતા મુલ્લા પાસે કોથળી મૂકી ચાલતો થયો. મુલ્લા ઊઠ્યા ત્યારે પાસે જ સોનામહોરની કોથળી જોઈ તેમને થયું, ‘હાશ, અલ્લાહે શરત હારવાના પૈસાનો જોગ તો કર્યો !’ મશ્કરાને આપવા કોથળી લઈ મુલ્લા ચા-ઘર તરફ ઊપડ્યા.

…………………..
ચોક્સાઈ

મુલ્લા નસરુદ્દીન જુદાં જુદાં સ્થળો જોવાના શોખીન હતા. તેમણે લંડન એક વાર જોયું હતું. તેમના ગામના કેટલાક મિત્રોએ કહ્યું, ‘મુલ્લા, અમારે લંડન જોવું છે. તમે ત્યાં જઈ આવ્યા છો. અમારી સાથે ચાલો તો અમને મુશ્કેલી ન પડે. તમારો ખર્ચો અમે ઉપાડીશું.’ મુલ્લા કબૂલ થયા.

મિત્રમંડળી સાથે મુલ્લા લંડન ઊપડ્યા. બધું બતાવ્યું. છેલ્લે કહ્યું કે અહીંનું મ્યુઝિયમ જોવા જેવું છે. મંડળી મ્યુઝિયમમાં ગઈ. મુલ્લાએ સલાહ આપી કે ગાઈડ રાખી લો, એ તમને બધું સમજાવશે. એટલે મંડળીએ ગાઈડ લીધો. ગાઈડ બધું બતાવતો ગયો. એક પવિત્ર મૂર્તિ પાસે આવ્યા ત્યારે ગાઈડે સમજાવ્યું કે, ‘મૂર્તિ ઈજિપ્તની દિવ્ય દેવીની છે. એ પાંચ હજાર વર્ષ જૂની છે.’
‘પાંચ હજાર વર્ષ નહીં, પાંચ હજાર ને ત્રણ વર્ષ જૂની છે.’ મુલ્લાએ ગાઈડની માહિતીમાં સુધારો કર્યો. ગાઈડ કંઈ બોલ્યો નહીં.

આગળ જતાં કબાટમાં મૂકેલું એક સુંદર ફ્લાવરવાઝ જોવા મળ્યું. ગાઈડે કહ્યું, ‘આ ફલાવરવાઝ રાજા હેન્રીનું છે. એ પાંચસો વર્ષ જૂનું છે.’ મુલ્લાએ સુધારો કર્યો, ‘પાંચસો નહીં, પાંચસો ને ત્રણ વર્ષ.’

હવે ગાઈડ ચિડાયો, ‘તમે કેવી રીતે આટલો ચોક્કસ સમય બતાવી શકો ?’
મુલ્લાએ કહ્યું, ‘બહુ સીધી વાત છે. ત્રણ વર્ષ પહેલાં હું અહીં આવ્યો’તો ત્યારે તમે કહેલું કે ફલાવરવાઝ પાંચસો વર્ષ જૂનું છે તો હવે પાંચસો ને ત્રણ વર્ષ થયાં કે નહીં ?

ગાઈડ બબૂચકની જેમ મુલ્લા સામે જોઈ રહ્યો.

…………………..
નિશાનબાજી

મુલ્લા નસરુદ્દીનના ગામમાં એક નિશાનબાજ આવ્યો. તેણે બડાઈ મારી, ‘દુનિયામાં મારા જેવો કોઈ નિશાનબાજ નથી. લાંબા ઓરડામાં એક દીવાલ પર નાનાં નાનાં કૂંડાળાં દોરો. કૂંડાળાં વચ્ચે નિશાનનું ટપકું કરો. સાંજે હું નિશાનો જોઈ લઈશ. પછી રાતે સામેની દીવાલે બેસી રાતના અંધારામાં નિશાનો પર તીર મારીશ. સવારે તમે જોશો ત્યારે બધાં જ તીર બરાબર નિશાન પર ખૂંપેલા હશે.’ નિશાનબાજે પડકાર ફેંક્યો, ‘આવી નિશાનબાજી કોઈ કરી બતાવશે તો તેને હું 100 સોનામહોર આપીશ. એ નિષ્ફળ જશે તો તેણે મને ફક્ત 10 સોનામહોર આપવાની.

મુલ્લાએ પડકાર ઝીલી લીધો અને કહ્યું કે, ‘હું તો અંધારામાં જ નિશાન દોરીશ. અંધારામાં જ તીર મારીશ અને બધાં તીર નિશાન પર હશે.’ ગામના લોકોને આશ્ચર્ય થયું. તેમણે મુલ્લાને કદી નિશાનબાજી કરતા જોયા નહોતા.

રાતે મુલ્લાએ સામેની દીવાલ પર અઠ્ઠે-ગઠ્ઠે તીર માર્યાં. તીર જુદી જુદી જગ્યાએ ખૂંપી ગયાં. મુલ્લા પછી સૂઈ ગયા. મુલ્લા મળસકે વહેલા ઊઠ્યા. મળસકાના આછા અજવાળામાં તેમણે ખૂંપેલાં તીરની આસપાસ કૂંડાળા દોરી દીધા અને પછી સૂઈ ગયા.

નિશાનબાજ અને ગામના લોકોએ સવારે આવીને જોયું તો મુલ્લા તો ઊંઘતા હતા, પણ દરેક તીર નિશાન પર બરાબર ખૂંપેલું હતું. મુલ્લા 100 સોનામહોર જીતી ગયા.

…………………..
અણી ચૂક્યો સો વર્ષ જીવે

મુલ્લા નસરુદ્દીનના ગામમાં વલીમહમદ અવ્વલ નંબરનો ઘોડેસવાર હતો. આખું વર્ષ એ પોતાના ઘોડાને પલોટતો પછી એ ઘોડો દેશભરમાં પહેલા નંબરે આવતો. વલીને ઈનામ મળતું. વલીનો મિજાજ તેજ હતો. તેના ઘોડાનું કોઈ અપમાન કરે તો તેને જાનથી મારી નાખતો. એક દિવસ વલીનો ઘોડો મુલ્લાના રસ્તા વચ્ચે આવ્યો. અજાણ્યાં મુલ્લાથી વલીના ઘોડાને કહેવાઈ ગયું, ‘એ ગધેડા, આઘો ખસ.’ વલી તો મુલ્લાની કતલ કરવા તૈયાર થઈ ગયો.

મુલ્લાએ વલીને કહ્યું, ‘ભાઈ વલી, મને મારી નાખવો હોય તો મારી નાખજે. પણ મને એક વર્ષની મહેતલ આપ. હું મારા ગધેડાને તાલીમ આપી રહ્યો છું. એક વર્ષમાં એ કોઈ પણ ઘોડા કરતાં વધારે ઝડપથી દોડી શકશે, જાણે હવામાં ઊડશે. એ ચમત્કાર સુધી મને જીવવા દે.’ વલીએ શરત કબૂલ રાખી. એને પણ જોવું હતું કે કેવી રીતે ગધેડો એના ઘોડાને હરાવે છે.

મુલ્લાની બીબી મુલ્લાને કહ્યું, ‘આ તમે શું કર્યું ? ગધેડો કાંઈ જીતી શકે નહીં. તમારું મોત નક્કી છે.’ મુલ્લાએ કહ્યું, ‘એક વર્ષમાં ઘણું બધું થઈ શકે છે. વલી મરી જાય, હું કુદરતી મોતે મરી જાઉં. ગમે તે થાય, એક વર્ષ વધારે જીવવાનું તો મળશે.’

એક વર્ષમાં વલી તો ન મર્યો, મુલ્લાય ન મર્યા, પણ મુલ્લાનો ગધેડો મરી ગયો. મુલ્લાની કતલ કરવા વલીએ મુલ્લાને બોલાવ્યા. આવીને મુલ્લાએ કહ્યું, ‘જીવનની દોડમાં મારો ગધેડો તમારા ઘોડા કરતાં આગળ નીકળી ગયો છે. જાણે એ અહીંથી પરલોક ઊડી ગયો છે.’ મુલ્લાને જીવતદાન મળી ગયું.


Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s