ક્ષણનો ઝરૂખો – ભગીરથ બ્રહ્મભટ્ટ

[1] છૂટાછેડા

કૉર્ટનો ચુકાદો આવી ગયો હતો. તેણી પતિથી વિચ્છેદાઈ ગઈ હતી. કાયદા પ્રમાણે કોર્ટે તેના પતિને મહિને રૂપિયા 2000 ખોરાકી પહોંચાડવાનું ફરમાન કાઢ્યું હતું.

પહેલો હપ્તો મળ્યો, બીજું, ત્રીજું મની ઑર્ડર આવતું ગયું. નિયત તારીખે મની ઓર્ડર મળતા રહ્યા. આજના મની ઑર્ડરને તેણે સ્વીકારવાને બદલે ‘માલિક હાજર નથી.’ તેમ લખી પરત મોકલાવ્યું. પહોંચને બદલે રકમ પાછી આવતાં પતિને આશ્ચર્ય થયું. બીજે જ દિવસે આશ્ચર્યને ઓગાળવા તે નિયત સ્થળે તે આવીને ઊભો રહી ગયો. પૂછ્યું, ‘મની ઑર્ડરની રકમ નહિ સ્વીકારવાનું કારણ ?’

‘એટલા ટૂંકા પગારમાં તમારું, તમારી નવી પત્નીનું અને એનાં બાળકોનું આટલી મોંઘવારીમાં કેમનું પૂરું થતું હશે ?’

આ છે ભારતની નારી..

[2] ભમરડો

ભમરડો જોઉં છું ને મને ભીખુ યાદ આવે છે. ભીખુ અને ભમરડો મારે મન એક થઈ ગયાં છે.

ભીખુ પહેલા ધોરણથી મારી સાથે. ભણવામાં નબળો. પણ જબરો નેકી. એની પ્રમાણિકતાનો હું પ્રથમથી સાક્ષી. ‘લેસન ન લાવ્યો હોય એ ઊભો થાય.’ સાહેબની સૂચના પૂરી થાય એ પહેલાં એ ઊભો થઈ જ ગયો હોય ! એવો નેકી.
‘કેમ નથી લાવ્યો લેસન ?’ સાહેબ પૂછે.
‘સાયેબ, ભમરડા રમતો’તો, ભૂલી ગયો !’ સ્પષ્ટ ઉત્તર. બધા હસી પડે. મને એક પ્રસંગ યાદ છે, સાહેબ ત્યારે ગણિતની નોટ તપાસતા હતા. હું રડતો હતો. મારી નોટ ખોવાઈ ગયેલી, ત્યારે ભીખુએ મને કહેલું – ‘લે આ તારી નોટ, મને જડી છે.’
પણ એ એની નોટ ભૂલી ગયેલો. પછી તો એ વર્ષે, એ નાપાસ થયેલો.

ભમરડા તો એના ! ભમરડાને દોરી ઉપર ઊંઘાડે. જમણા હાથે દોરી વીંટી ભમરડો ફેંકે ને ડાબી હથેળીમાં ઝીલી લે – ડાબે હાથ દોરી વીંટે ને જમણી હથેળીમાં ઝીલી લે. બંને હથેળીઓમાં ભમરડા ઊંઘે. ભીખુ ની જેમ મને ભમરડો ફેરવતાં ન આવડ્યું તે ના આવડ્યું.

પછી ભીખુ ન ભણી શક્યો. મજૂરીએ વળ્યો. પરણ્યો. પસ્તાયો. ગાંડી પત્ની – બાળકો. એ જ જાણે દયાપાત્ર !! આમ દોડે તેમ દોડે… આમ કરે ને તેમ કરે !! અહીં ફરે ને ત્યાં ફરે. એની આ વર્તમાન અવસ્થા જોઈને મને ફરી ભમરડો યાદ આવે છે, ને મને થઈ આવે છે – ‘ભમરડાની આર પ્રમાણિકતાનાં પડખાં આમ શા માટે ભેદતી હશે ?’

[3] પડોશ

મીના નોકરીએ જાય એટલે તેનો બાબો પાડોશી સાવિત્રીબેન પાસે રમે – સાવિત્રીબેનને પણ એક બાબો. એકવાર સાવિત્રીબેનના બાબાએ મીનાના હેતલને અજાણ્યે વગાડ્યું, પછી મીના બગડી, સાવિત્રીબેન પર ગુસ્સે થઈ. એ દિવસથી સાવિત્રીબેન સાથે બોલવાનુંય બંધ.

બીજે જ દિવસે મીના પોતાના ઊંઘતા દીકરા હેતલને ઘરમાં પૂરી, બંધ કરી, ચાવી રોજની જેમ સાવિત્રીબેનને આપવાને બદલે સાથે લઈ સર્વીસ ગઈ. થોડાક જ વખત પછી હેતલ જોરશોરથી રડવા લાગ્યો. સાવિત્રીબેનને દયા આવી, પણ કરે શું ? ચાવી તો છે નહિ, સાવિત્રીબેને જૂની ચાવીઓનો ઝૂમખો કાઢીને એક પછી એક એમ ચાવી લાગુ કરી જોઈ – આખરે ઘર ખૂલ્યું. હૈયાફાટ રડતા હેતલને ઉપાડી લીધો, ઘેર આવી ચૉકલેટ બિસ્કીટ આપ્યાં, પણ તે છાનો ન રહ્યો. આખરે સાવિત્રીબેને હેતલને છાતીએ વળગાડી હેત પાયું. – થોડીવારમાં જ હેતલ સાવિત્રીબેનના ખોળામાં ઘસઘસાટ ઊંઘી ગયો, ત્યારબાદ સાવિત્રીબેને હેતલને હતો ત્યાં મૂકી ઘરને બંધ કરી દીધું.

નોકરીથી હાંફળીફાંફળી મીના દોડતી ઘેર આવી, જલ્દીથી ઘર ખોલ્યું. દીકરા પાસે દોડી ગઈ, દીકરાને સૂતેલો જોઈ – ‘કેવો ડાહ્યો છે. હજુ એને ભૂખ નથી લાગી – કેવો ઊંઘે છે !’ સાવિત્રીબેન એમના દીકરાને સુવાડતાં આ શબ્દો સાંભળી રહ્યાં.

[4] ખૂટવું

ત્યારે હું નવસારી જવા નીકળેલો. સ્ટેશને જઈ ટિકિટ લીધી. જેવો પ્લેટફોર્મ તરફ જવા વળ્યો ત્યાં એક દસ રૂપિયાની નોટ જડી. હું થોભ્યો. નીચે નમી ચૂપચાપ એ નોટ મેં ગજવામાં મૂકી દીધી.

પ્લેટફોર્મ ઉપર ઊભેલો.. ગાડી આવવાને થોડી વાર હતી. એટલામાં એક આશાસ્પદ યુવાન મારી સમક્ષ ચાતક નજરે ઊભો રહ્યો. મેં મારી આદત મુજબ એની ઉપેક્ષા કરી. એટલે એ બોલ્યો : ‘સાહેબ, હું કાંઈ ભિખારી નથી, મારે નવસારી પહોંચવું છે, ગજવું કપાઈ ગયું. ટિકિટમાં એક રૂપિયો ખૂટે છે. એનો ઠૂંઠો હાથ બતાવી એ વિનંતી કરતો હતો. મેં મોં ફેરવી લીધું. તે નિરાશ થઈને ચાલ્યો ગયો.

યોગાનુયોગ એ મારા ડબ્બામાં. વડોદરા, સુરત સુધીમાં તો પૂર્ણ પ્રતીતિ થઈ કે તે યુવાન પૂર્ણ સજ્જ્ન લાગતો હતો. નહિ તો કોઈ વૃદ્ધાને સામાન મૂકવામાં, જગ્યા આપવામાં સહાયરૂપ થાય ખરો ? આ લાંબી મુસાફરીમાં અજાણ્યાની દયા…! મેં મારો ક્ષોભ ઓગાળવા એની તરફ જોવાનું નક્કી કર્યું, પણ આંખમાં આંખ ન મેળવી શક્યો; છતાંય તેણે તો મને કહ્યું – ‘સાહેબ, તમે નવસારી મિલમાં છો ને ? હું તમને જોયે ઓળખું. પછી નહિ માનો સાહેબ ! મને…. એક ભિખારીએ રૂપિયો આપેલો એટલે આ ટિકિટ લઈને બેઠો. કોણ જાણે હું એને ક્યારે પાછો આપી શકીશ ?’

હું કંઈ બોલું તે પહેલાં જ આંચકા સાથે નવસારી આવી ગયું. હું ઊતરવા સજ્જ થયો. ત્યારે પ્રવેશદ્વાર તરફ જતા તેણે મને રોક્યો. પછી મારા ગજવામાં બહાર ડોકાતી પેલી દસની નોટ તરફ નિર્દેશ કરી કહે – ‘એ ઠેકાણે મૂકો. પડી ન જાય.’

ને એ આગળ ચાલતો થયો….

[5] કોનો ?

મયુરી અને ભાર્ગવ પોતાના દામ્પત્યને અદમ્ય રીતે માણી રહ્યાં હતા. વાતવાતમાં મીઠા કલહ અને વ્હાલથી દામ્પત્ય મઘમઘી રહ્યું હતું. પરિણામે દેખાવડા શિશુ વિશાલને મયુરીએ જન્મ આપ્યો પછી તો સોનામાં જ સુગંધ ભળી. વિશાલના શૈશવ સાથે મયુરી ને ભાર્ગવ બંને શિશુ બની જતાં.

આજે આ નાનું કુટુંબ ટ્રેઈન દ્વારા મુંબઈ જઈ રહ્યું હતું. બારી પાસે બેઠેલા વિશાલના હાથમાં મોંઘી ઢીંગલી હતી. બારી બહાર વરસાદ પડતો હતો. વરસાદી વાતાવરણને લીધે મયુરી અને ભાર્ગવ ઝઘડ્યાં. મીઠો ઝઘડો : વિશાલ કોનો ? ભાર્ગવે પોતાના બચાવ માટે શક્ય તેટલી દલીલો કરી. મયુરીએ પણ… છેવટે વિશાલને પૂછ્યું તેણે કહ્યું ‘બંનેનો’ બેઉ હસી પડેલાં.

વિશાલ હવે તો ભીંજાઈ રહ્યો હતો એટલે ભાર્ગવે બૂમ મારી. વિશાલ વધારે રડ્યો, હઠ ન છોડી બારી બહાર જ હાથ રાખ્યો. આખરે ભાર્ગવે તેને કહ્યું : ‘વીસ રૂપિયાની ઢીંગલીની આ દશા…..’ અત્યાર સુધી મૌન રહેલી મયુરીએ આ નાટક જોઈને છેવટે કહ્યું : ‘બેટા વિશાલ આ તારી ઢીંગલીને અંદર લઈ લે નહિતર એને શરદી લાગી જશે.’ તરત જ વિશાલે બારીમાંથી હાથ લઈ લીધો.

થોડીવાર પછી પતિ સામે અંગૂઠો બતાવી મયુરી કહેવા લાગી : ‘કહો જોઈએ વિશાલ કોનો ?’
પતિએ કહ્યું : ‘ઢીંગલીનો.’


Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s