કોથમીરનાં વડાં-હાસ્યલેખ

Kothimbir_Vadi_Coriander_Fritters_thumbnail_1280x800પ્રાધ્યાપક સાહેબ પેન્ટ – શર્ટ પહેરી ટાઇ બાંધી રહ્યા હતાં, ત્યાં પત્નીએ આવી પૂછ્યું, ‘આજે સવારમાં સવારી ક્યાં ચાલ્યા ?’
‘કેમ, કોલેજમાં જવું નહીં પડે ?’
‘અરે, પણ આજે તો રવિવાર છે, કોલેજમાં છુટ્ટી !’
‘હત્તારીની ! રવિવાર તો મને યાદ ન આવ્યો.’
‘ધન્ય છે તમારા ભૂલકણાપણાને. કાંઇ નહીં, હવે સજી –ધજીને તૈયાર થયા જ છો, તો લો આ થેલી અને શાક માર્કેટમાં જઇને કોથમીર, લીંબુ અને બટાટા લઇ આવો. આજે તમને સરસ મજાનાં કોથમીરનાં વડાં ખવડાવું !’
‘એકસલેન્ટ આઇડિયા ! લાવ, મારો કોટ.’
’અરે, માર્કેટમાં જવું તેમાં કોટની શી જરૂર છે ?’
’જટા વિના જોગી નહીં અને કોટ વિના પ્રાધ્યાપક નહીં.’ કહી પ્રાધ્યાપકે કોટ ચઢાવ્યો અને જવા નીકળ્યા. ત્યાં તો પત્નીએ આવીને એમને વાંસે ધબ્બો માર્યો.

‘આમ નાના છોકરાની જેમ વાંસે ધબ્બો કેમ માર્યો ?’
‘એ તો કાંઇ નહીં. જરીક ધૂળ ઉડાડી’ – કહી પત્ની એકદમ હસતાં હતાં.
‘કેમ, આમાં વળી હસવાનું શું ?’
’એ તો એક ગમ્મત……….તમે કોથમીર લઇને આવો, પછી કહીશ.’
પ્રાધ્યાપક દાદરે પહોંચ્યા. ત્યાં ફરી બૂમ સંભળાઇ, ‘પૈસાનું પાકીટ લીધું કે ?’
’ઠીક યાદ કર્યું. લાવ, મુંબઇમાં તો પતિ કામે જાય, ત્યારે પત્ની પૂછે, પેરૂચા પાપા લીધા કે?’
’એ વળી શું ?’
’પે એટલે પેન, રૂ એટલે રૂમાલ, ચા એટલે ચાવી, પા એટલે લોકલ ટ્રેનનો પાસ અને બીજો પા એટલે પૈસાનું પાકીટ. પેરૂચા પાપા !’
‘ઠીક, ઠીક ! લો આ પાકીટ. અને કોથમીર, લીંબુ, બટાટા લઇ આવો. કો…..લીં…..બ….. રહેશે કે યાદ ? કે લખી દઉં ? તમે કોથમીર લાવવાનું હંમેશાં ભૂલી જાવ છો.’
‘નહીં, નહીં. ત્રણ જ વસ્તુ તો છે.’ અને પ્રાધ્યાપક કો…..લીં…..બ….., કો…..લીં…..બ….. ગોખતા – ગોખતા નીકળ્યા.

રસ્તામાં પ્રાધ્યાપક આઠવલે મળ્યાં. ‘કાં, સવારના પહોરમાં ક્યાં ?’
‘એ તો જરીક શાક માર્કેટમાં.’
‘અરે, એ તો મોટી ગમ્મત છે. હું તૈયાર થયો કોલેજ જવા. ત્યાં પત્નીએ યાદ કરાવ્યું કે આજે રવિવાર છે…’
અને બંને ખૂબ હસ્યા, ખૂબ હસ્યા. પછી છૂટા પડ્યા. પણ આઠવલે હજી પાંચ સાત ડગલાં ગયાં હશે, ત્યાં પાછા ફરી કહે, સાહેબ, માર્કેટમાંથી કોથમીર લઇ જવાનું નહીં ભૂલતા.
‘ના, ના, મને યાદ છે’ – અને ફરી કો…..લીં…..બ….. કો…..લીં…..બ….. ગોખતાં – ગોખતાં પ્રાધ્યાપક આગળ વધ્યા. માર્કેટમાં પહોંચ્યા, ત્યાં એક માજી વિદ્યાર્થી મળ્યો. ‘નમસ્કાર સર! મને ઓળખ્યો ?’
‘હા, હા. તું તો…..તું તો….શું તારું નામ ?’
‘હું વિનોદ વ્યાસ. તમારો વિદ્યાર્થી.’
‘હા…..હા….. કેમ ચાલે છે ?’
‘તમારા આશીર્વાદથી સરસ…..કેમ શાક લેવા નીકળ્યા ?’
‘હા, આજે રવિવાર છે ને !’
‘સર, હમણાં કાંઇ લખવાનું ચાલે છે કે ?’
‘હા, હા, એક પુસ્તક લખું છું – સ્મરણશક્તિ વધારવાનો ઉપાય.’
‘સરસ, સાહેબ ! તમારો મનગમતો ખાસ વિષય.’
‘હા, સ્મરણશક્તિ તાજી હશે, તો જ ઇતિહાસ યાદ રહેશે, વિજ્ઞાનની શોધો યાદ રહેશે, ભણેલું ભુલાશે નહીં, જીવનમાં…..’
‘સર…..સર…..હું જરા જલદીમાં છું. તમારે પણ શાકભાજી…..’
‘હા, હા… કો…..લીં…..બ…..’
પ્રાધ્યાપક આગળ વધ્યાં. ત્યાં વિદ્યાર્થીએ પાછા ફરીને કહ્યું, ‘સાહેબ, કોથમીર લઇ જવાનું ભૂલતા નહીં.’

‘હા, હા….. એ કેમ ભુલાય ?’ અને પછી માર્કેટમાં જઇને એમણે પહેલીવહેલી કોથમીર લઇ લીધી. ચાર મોટા ઝૂડા લીધા. પછી લીંબુ ને બટાટા. બસ, ત્રણ જ વસ્તુ લેવાની હતી ને ! ફરી થેલીમાં જોઇ ખાતરી કરી લીધી, અને નિશ્વિંત મને પાછા ફર્યા.
ત્યાં એક અજાણ્યા માણસે એમને નમસ્કાર કર્યા. ‘કેમ, ખરીદી થઇ ગઇ ?’
‘હા…હા….. થઇ.’
‘કોથમીર લીધી ને ?’
‘હા, લીધી ને !’ પ્રાધ્યાપકે થેલી ઉઘાડી તેને કોથમીર બતાવી. ત્યાં એકદમ એમના ચિત્તમાં ઝબકારો થયો, આને ક્યાંથી ખબર કે મારે કોથમીર લેવાની છે ? અરે, પેલા વિદ્યાર્થીએ અને આઠવલે એ પણ ખાસ કોથમીર યાદ કરાવેલી ! આજે કાંઇ કોથમીરનો તહેવાર છે ? એમણે પેલા માણસને જ પૂછ્યું, ‘મારે કોથમીર લેવાની છે, તેની તમને ક્યાંથી ખબર ?’
પેલો માણસ હસતાં – હસતાં બોલ્યો, ‘સાહેબ, તમારા વાંસે કોટ ઉપર એક કાગળ ચીટકાવેલ છે. તેમાં લખ્યું છે – આમને કોથમીર લેવાનું યાદ અપાવશો.’

હવે દરેક જણ કોથમીર લેવાનું કેમ કહે છે, તેનું રહસ્ય ખૂલ્યું. પત્નીએ તો ખરી કરી ! એમણે હાથ પાછળ લઇ કાગળ કાઢવાનો પ્રયત્ન કર્યો પણ હાથ ન પહોંચ્યો. એટલે કાગળ ઉપર થેલી વાંસે લટકાવી થોડું ચાલ્યા. ત્યાં એક પીપળાનું ઝાડ આવ્યું. સરસ ઓટલી હતી. ત્યાં થેલી મૂકીને પ્રાધ્યાપકે કોટ ઉતાર્યો અને કાગળ કાઢ્યો. પત્નીના જ અક્ષર. હવે ધ્યાનમાં આવ્યું કે પત્નીએ વાંસે ધબ્બો કેમ મારેલો અને કોથમીર લઇ આવું પછી એ શી ગમ્મત કહેવાની છે.

પ્રાધ્યાપકને થોડો વિનોદ પણ થયો અને થોડો ગુસ્સો પણ આવ્યો. ફરી કોટ પહેરી ઘર તરફ ઊપડ્યા. ઘરે પહોંચી પેલો કાગળ બતાવી બોલ્યા, ‘આ તે ઠઠ્ઠા – મશ્કરી કરવાની રીત છે ? ઘરમાં ઠીક છે, પણ ભર બજારમાં મારી ઇજ્જત લીધી !’

શ્રીમતીજી આંખો નચાવતાં બોલ્યાં, ‘સોરી, પ્રાધ્યાપક સાહેબ ! પણ આજે તો તમે કોથમીર લાવવાનું ભૂલી જાવ, તો મારો આખો પ્લાન અપસેટ થઇ જાય….. આ તો બે ઘડી ગમ્મત થઇ….. હવે જુઓ ને , હું કેવા સરસ મજાનાં કોથમીરનાં વડાં કરીને ખવડાવું છું તે ! લાવો, શાકભાજીની થેલી !’

અરે, પણ થેલી ક્યાં ? ‘તમે થેલી ક્યાં મૂકી આવ્યાં ?’

‘થેલી ?’ પ્રાધ્યાપક ચમક્યા. થેલી ક્યાં મુકાઇ ગઇ ? ….. પીપળના ઝાડ નીચે કોટ કાઢ્યો ત્યારે ઓટલી પર મૂકેલી. ત્યાં જ રહી ગઇ લાગે છે !!


One thought on “કોથમીરનાં વડાં-હાસ્યલેખ

  1. I’ve been surfing online more than 3 hours
    today, yet I never found any interesting article like yours.
    It’s pretty worth enough for me. In my view, if all webmasters and bloggers made good content as
    you did, the web will be a lot more useful than ever before.

    Liked by 1 person

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s